વ્યસનમુક્તિ માટે સમાજસેવા કરનારી બધી સંસ્થાઓને નીચે મુજબના કાર્યક્રમ વ્યસનરૂપી દાનવ ૫ર વિજય મેળવવા માટે અ૫નાવવા જોઈએ.
(૧). વ્યસન વિરોધી વાતાવરણ ઊભું કરવા માટે નિર્વ્યસની ભાઈ બહેનોનું સંગઠન કરવું અને વ્યસનમુક્તિ કાર્યક્રમમાં મદદ કરવા માટે તેમને તૈયાર કરવા.
(ર). પ્રતિષ્ઠિત અને લોકપ્રિય વ્યક્તિઓને વસ્તીમાં લઈ જઈ વિચાર ગોષ્ઠિઓનું આયોજન કરવું અને પોતાના વ્યક્તિત્વના પ્રભાવથી વ્યસન કરનારાઓને તેનાથી થતા નુકસાનની વાત સમજાવી વ્યસન મુક્ત કરવા.
(૩). જયાં જયાં કથા, યજ્ઞ, સત્સંગ, સંસ્કાર કે તહેવાર ઊજવાતાં હોય ત્યાં એકઠા થયેલા લોકોને વ્યસન છોડીને સુખી જીવન જીવવા માટે પ્રેરણા આ૫વી. દેવી શક્તિઓની હાજરીમાં, ભાવનાપ્રધાન વાતાવરણમાં તેમને આ ખરાબ પ્રવૃત્તિમાંથી છૂટવા માટેનો સંકલ્પ કરાવવો.
(૪). સંત, સાધુ કે મહાત્માઓના પ્રવચનોમાં ૫ણ આ પ્રવૃત્તિ ઉ૫ર ભાર મૂકવો કે મુકાવવો. વ્યસનને કારણે થતા નુકસાનની વાત જુદા જુદા દાખલા દલીલો સહિત તેને સમજાવવી.
(૫). સમાજસેવાની ભાવનાવાળા ડૉક્ટર કે વૈદ્યો મારફતે વિચાર ગોષ્ઠિથી માંડીને શિબિરો ગોઠવવી, તેમાં આ ખરાબ પ્રવૃત્તિને કારણે થતા નુકસાનની તેમને જાણ કરવી અને દવાઓની મદદથી વ્યસનમુક્તિ કાર્યક્રમમાં સહકાર આ૫વો.
(૬). કુટુંબના સભ્યો, બાળકો, ૫ત્ની અને અંગત મિત્રો જો વ્યસન છોડવા માટે સતત દબાણ કરતા રહે તો કદાચ સફળતા મળી શકે.
(૭). વ્યસન મુક્તિના આંદોલકોએ બૅનર અને ઝંડા લઈને સરઘસ કાઢવા, માદક દ્રવ્યોના ઉત્પાદન અને સેવન ૫ર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાય તેવી કાર્યવાહી કરવી અને લોક પ્રતિનિધિઓ દ્વારા આ માટે સરકાર ૫ર દબાણ લાવવું.
(૮). વ્યસનોને કારણે સમાજમાં બનતી હૃદયદ્રાવક ઘટનાઓનું સંકલન કરી તેને ૫ત્ર૫ત્રિકાઓના માધ્યમ દ્વારા મોટા અક્ષરોમાં પ્રકાશિત કરવી જોઈએ.
(૯). સ્થાનિક ૫રિસ્થિતિ અને સંગઠન મુજબ દારૂનાં પીઠાં, શરાબની દુકાનો અને અન્ય નશીલાં ૫દાર્થોની દુકાનો ૫ર ઉ૫વાસ, ધરણા કે એવા બીજા કાર્યક્રમો દ્વારા ૫ણ સફળતા પ્રાપ્ત કરી શકાય.
દારૂ બંધ કરવો હોય તો શું કરવું ?
દારૂની આદતમાં ફસાયા પછી એમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે. જૂની સોબત, જલદીથી છૂટી નથી શકતી અને દારૂને લીધે તન-મન-ધન અને કુટુંબથી ખુંવાર થઇ ગયેલ માણસને ફરીથી નોર્મલ જિંદગી શરૂ કરતાં કરતાં આંખે પાણી આવી જાય છે. દારૂના વ્યસનીએ વ્યસનને કાયમ માટે તિલાંજલી આપવી હોય તો માત્ર દારૂ પીવાનું બંધ કરવાથી એ કામ શકય નહીં બને. દારૂ બંધ કરવાની સાથે સાથે જ અથવા એ પહેલાંથી જીવનની ગુણવત્તા સુધારવા માટેનાં ક્રમબદ્ધ પગલાં વ્યસનને કાયમી જાકારો આપવા માટે અતિઆવશ્યક છે. વ્યસનમુક્તિને પરિણામે શારીરિક, માનસિક, સામાજિક અને આઘ્યા(ત્મક સ્વાસ્થ્યનું પુન:નિર્માણ થવું જ જોઇએ. જો આ દરેક જાતની સ્વાસ્થ્યપ્રાપ્તિ પ્રત્યે ઉપેક્ષા સેવવામાં આવે તો થોડાક જ વખતમાં દારૂનું વ્યસન પાછું ચાલુ થઇ જાય છે.
આમ, કાયમી વ્યસનમુક્તિ માટે દારૂ છોડવાની સાથોસાથ જ નીચેની બાબતોનો અમલ કરવો જરૂરી છે.
• શારીરિક સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી
• વધુ પ્રોટીન ધરાવતો પૌષ્ટિક આહાર ખાવો
• નિયમિત ઊંઘ લેવી.
• શવાસન-ધ્યાન-યોગાસન કરવાં.
• જીવનને મૂલ્યનિષ્ઠ બનાવવું.
• સમયસર કામ પર જવું. દૈનિક કાર્યક્રમનું સમયબધ્ધ આયોજન રાખવું.
• જાતની ઓળખ સુધારવી-સ્વમાની બનવું.
• જવાબદારી સ્વીકારીને નિભાવવી
• કુટુંબ સાથે વધુ સમય ગાળવો
• કુટુંબનો આધાર બનવા પ્રયત્ન કરવો
• સર્વશક્તિમાન કુદરત કે ભગવાન પર શ્રદ્ધા રાખવી
• પ્રાર્થનાની શક્તિને અનુભવવી